સુન્દરમ્
- (જન્મ : 22-3-1908, અવસાન : 13-10-1991)
- ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘સુન્દરમ્’. ભરૂચ પાસેનું મિયામાતર ગામ તેમનું વતન છે.
- પુડુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણયોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું.
- ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુન્દરમનું આદરભર્યું સ્થાન છે.
- ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા', “વસુધા’, ‘યાત્રા’, ‘વરદા' વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.
- તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વરતાય છે.
- કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે.
- તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે.
- ‘ગુર્જરીના ગૃહકુંજે” કાવ્ય “વસુધા' સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.
- આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે.
- સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે – ‘જનની, જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસિ, એટલે કે જનની અને
- જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે.
- પહેલી વાર જયાં આંખ ખોલી, પહેલી વાર જયાં પગલીઓ પાડી, પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો, એ ઘર-પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજયા કરે છે.
- આ એ ઘર-પ્રદેશ છે જયાં અનેક ઋતુઓ પસાર કરી, ડુંગરો-ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ-દુ:ખ મળ્યાં ને માટે જ આખી દુનિયા ભમ્યા પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યાં નહિ એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે.
ઈશ્વર પેટલીકર
- (જન્મ : 9-9-1916, અવસાન : 22-11-1983)
- ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે.
- પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી.
- ‘જનમટીપ', ‘પાતાળકૂવો’, ‘કાજળની કોટડી’, ‘ધરતીનો અવતાર’, ‘કંકુ અને કન્યા’, ‘મારી હૈયાસગડી’, ‘તરણા
- ઓથે ડુંગર', “યુગના એંધાણ’, ‘ઋણાનુબંધ’, ‘જુજવેરૂપ’, ‘સેતુબંધ', “અભિજાત’, ‘લાક્ષાગૃહ' વગેરે તેમની મહત્ત્વની નવલકથાઓ છે.
- ‘પારસમણિ', ‘ચિનગારી’, ‘આકાશગંગા’, ‘કઠપૂતળી’, ‘લોહીની સગાઈ' વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે.
- એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગરજીવનનાં દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યાં છે.
- તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો.
- ‘લોહીની સગાઈ' ઈશ્વર પેટલીકરના ‘લોહીની સગાઈ' વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે.
- આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે.
- અમરતકાકીનાં ચાર સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે.
- અમરતકાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતાં હોય છે.
- ગામના ઘણાં લોકો દીકરીને ગાંડાંના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમરતકાકી એ માટે તૈયાર નથી.
- આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી-સારી થઈ પાછી આવે છે એ જોઈ અમરતકાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે.
- મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમરતકાકીની મનઃસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે.
- દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમરતકાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુ:ખી છે.
- વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો ‘અમરતકાકી મંગુની નાતમાં વટલાઈગયાં હતાં !' દ્વારા મંગુના વિચારોમાં અમરતકાકી પણ ગાંડાં થઈ ગયાં એ સંકેત મૂકી દીધો છે.
- આમ, આખી વાર્તામાં લેખકે લાઘવથી, શિષ્ટ અને તળપદી ભાષાથી અમરતકાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું.
No comments: